
news gujarati
18 વર્ષના લાંબા ઈંતેજાર બાદ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ (RCB)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો. આ ઐતિહાસિક જીતની ઉજવણી માટે બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આયોજિત વિજય સરઘસમાં લાખો ચાહકો ઉમટી પડ્યા. પરંતુ આ ખુશીનો માહોલ ટૂંક સમયમાં દુખદ ઘટનામાં ફેરવાઈ ગયો, જ્યારે ભાગદોડને કારણે 11 લોકોનાં મોત થયાં અને અનેક લોકો ઘાયલ થયા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટનાની મૅજિસ્ટ્રેટ તપાસની જાહેરાત કરી છે અને મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની ઘોષણા કરી છે.
ઘટના કેવી રીતે બની?
ચિન્નાસ્વામી સ્ટેડિયમના દરવાજા ખુલ્યા ન હતા ત્યારે કેટલાક લોકોએ નાના દરવાજામાંથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ભાગદોડ શરૂ થઈ. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આયોજકોએ અંદાજે 1 લાખ લોકોની ભીડનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ 2 લાખથી વધુ લોકો એકઠા થયા. આ ઉપરાંત, ગેટ નંબર 7 પર ફ્રી પાસની અફવા ફેલાતાં લોકો બેકાબૂ બન્યા, જેના કારણે ભીષણ અવ્યવસ્થા સર્જાઈ. વધુમાં, અચાનક વરસાદે પણ પરિસ્થિતિને વણસાવી.
ભાગદોડનાં મુખ્ય કારણો:
- ફ્રી પાસની અફવા: ગેટ નંબર 7 પર ફ્રી પાસ મળી રહ્યા હોવાની અફવાએ લોકોને બેકાબૂ કરી દીધા. આના કારણે ગણતરીની મિનિટોમાં ભીડ એકઠી થઈ, જેના દબાણે ગટરનો સ્લેબ તૂટી પડ્યો અને ગેટ નંબર 10, 12 અને 13 તોડવાના પ્રયાસો થયા.
- અપૂરતી વ્યવસ્થા: સ્ટેડિયમની ક્ષમતા માત્ર 35,000 દર્શકોની હતી, પરંતુ 2-3 લાખ લોકો એકઠા થયા. પોલીસે ભીડને નિયંત્રિત કરવા લાઠીચાર્જનો આશરો લીધો, પરંતુ સાંકડા દરવાજા અને અપૂરતા બળને કારણે સ્થિતિ કાબૂ બહાર ગઈ.
- અગમચેતીનો અભાવ: પોલીસે લોકોને પ્રવેશ માટે કયા દરવાજાનો ઉપયોગ કરવો તે અંગે અગાઉથી માહિતી આપી ન હતી. બેરિકેડિંગનો અભાવ અને અચાનક ભીડ વધવાથી પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ.
- વેબસાઈટ ક્રેશ અને બિનજરૂરી ધસારો: RCBની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકો પાસ વગર સ્ટેડિયમ પહોંચ્યા. પાસ ધરાવતા લોકો પણ ભીડને કારણે પ્રવેશી શક્યા નહીં.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.