
News Gujarati
ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષથી પરત આવ્યા બાદ પહેલીવાર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે પૃથ્વી પર પરત આવીને ઉત્તેજક અનુભવ થયો.
સુનિતા વિલિયમ્સે જણાવ્યુ હતું કે તેઓ જલ્દી જ ભારતની મુલાકાત લેશે. તેમણે કહ્યું, “મને આશા છે કે હું મારા પિતાના વતન અને ભારતના ભાવિ અંતરિક્ષયાત્રીઓ સાથે જલ્દી જ મુલાકાત કરીશ. મારા અનુભવ પણ તેમના સાથે વહેંચીશ. ભારત એક મહાન દેશ છે અને તેનું લોકતંત્ર અને અંતરિક્ષ ક્ષેત્રેની પ્રગતિ અદભૂત છે. અમે પણ તેનું એક ભાગ બની યોગદાન આપવા માંગીએ છીએ.”
સુનિતા વિલિયમ્સે શૅર કર્યું કે અંતરિક્ષમાંથી હિમાલય અને ભારતના અન્ય ભાગોના રંગ જોઈને તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. દિવસ અને રાત બંને સમયે ભારતને જોવું એક અનન્ય અને અવિશ્વસનીય અનુભવ રહ્યો. પૃથ્વી પર પરત આવ્યા બાદ તેમણે સૌથી પહેલા પોતાના પતિ અને પાલતુ કૂતરાઓને ગળે લગાવ્યા, ગ્રીલ્ડ સેન્ડવીચનો સ્વાદ માણ્યો અને પિતાને યાદ કર્યા.
9 મહિના અંતરિક્ષમાં ગાળ્યા
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ગયા વર્ષે સ્ટારલાઇનર મિશન અંતર્ગત માત્ર 8 દિવસ માટે અંતરિક્ષમાં ગયેલા, પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે તેમને આખા 9 મહિના ત્યાં રોકાવું પડ્યું. આ મુશ્કેલ સમયગાળા બાદ ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપનીએ એક વિશિષ્ટ મિશન દ્વારા તેમની સુરક્ષિત પરત ફરવાની વ્યવસ્થા કરી.
ગુજરાત સાથેનો સંબંધ
સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળના એક પ્રતિષ્ઠિત અંતરિક્ષયાત્રી છે. તેમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ અમેરિકામાં થયો હતો. તેમનાં પિતા દિપક પંડ્યાનું મૂળ વતન ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામ છે. તેઓ 1957માં મેડિકલ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા અને ત્યાં સ્થાયી થયા.
સુનિતા વિલિયમ્સની આ અદભૂત યાત્રા યુવા પેઢીને પ્રેરણા આપનાર છે અને અંતરિક્ષવિદ્યાનમાં ભારતની પ્રગતિ માટે તેઓ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.