ગુજરાતતાજી ખબરોહિન્દુસ્તાન

છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહોના મોત

ગીરના જંગલમાં રહેતા સિંહોની વસતી વધે છે, પરંતુ તેની જાળવણી કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. આજે વિધાનસભામાં સરકારે આપેલા લેખીત જવાબ પ્રમાણે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ના ૨૪ મહિનામાં કુલ ૧૮૪ સિંહના મોત થયા છે. ૨૦૧૫ની સિંહ ગણના પ્રમાણે ગીરમાં ૫૨૩ સિંહ હતા. એ પૈકી ત્રીજા ભાગના સિંહો તો આ બે વર્ષમાં જ સાફ થઈ ચૂક્યા છે. વળી ૧૮૪ પૈકી બધા સિંહના કુદરતી મોત નથી થયા. ૩૨ સિંહ અકસ્માતે મૃત્યુ પામ્યા છે.

આ મોત પૈકી ૩૯ સિંહ, ૭૪ સિંહણ જ્યારે ૭૧ સિંહબાળના મોત થયા છે. આ સંખ્યા ઘણી મોટી કહી શકાય એમ છે. કેમ કે ૨૦૧૦થી ૨૦૧૫ દરમિયાન સિંહોની વસતી વધીને ૪૧૧થી ૫૨૩ થઈ હતી. પરંતુ એ ૫૨૩ પૈકી પાંચ વર્ષમાં નર સિંહની સંખ્યા ૧૨ જ વધી હતી. એટલે કે નર સિંહનો વૃદ્ધિદર ઘણો ધીમો છે. નર સિંહ ઓછા હોવાથી નવાં સિંહ બાળ પેદા થવાનો દર પણ ઘટી જાય છે. આ બે વર્ષના મોત પૈકી ૭૧ બાળ સિંહો મૃત્યુ પામ્યા છે. એનો અર્થ એ થયો કે એ સિંહ પુખ્ત થયા પહેલા જ દુનિયા છોડી ગયા છે. જો એ બાળ મોટાં થયા હોત તો સરવાળે નર સિંહની સંખ્યામાં મોટી સંખ્યામાં વધારો નોંધાયો હોત. પરંતુ એવું થતું નથી.

ગીરના જંગલમાં છેલ્લા બે વર્ષમાં રેલવે હડફેટે આવીને સિંહોના મોત થવાના ઘણા કિસ્સા નોંધાયા છે. એ પછી રેલવે પૈડાં નીચે સિંહો કપાઈ ન મરે એટલા માટે સરકારે ખાસ કરી કામગીરી કરી નથી. રેલ ધીમી ચલાવવાની વાતો થઈ છે, પણ અમલ થયો નથી. એટલે સિંહ પરનો ખતરો યથાવત છે. બીજી તરફ ગીર ફરતે રિસોર્ટ, ગીરમાં સતત ચાલતી બાંધકામ પ્રવૃત્તિ વગેરેને કારણે સિંહોને ખલેલ પહોંચી રહી છે. સિંહ જોવા જવાના નામે સિંહોને હેરાન કરવાના બનાવો પણ વધ્યા છે.

સિંહોના મોતનું એક કારણ ગીર વિસ્તારમાં આવેલા ખુલ્લાં કુવા છે. એ કુવા ફરતે પારાપેટ બનાવવાનો પ્રોજેક્ટ બે દાયકા જુનો છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કામગીરી પૂરી નથી થઈ. માટે ૧૮૪ પૈકી કેટલાક મોત કૂવામાં પડી જવાથી પણ થયા છે. ૩૨ મોત એવા છે, જે અકસ્માતથી થયા છે, એટલે કે શંકાના દાયરામાં પણ છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો News Gujarati app.

 

User Rating: 5 ( 1 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *