
હોળીની રજા દરમિયાન દિલ્હીમાં જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. તે ઘરે નહોતા. પરિવારના સભ્યોએ પોલીસ અને ઇમરજન્સી સેવાઓને ફોન કરીને આગ વિશે જાણ કરી. જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘરમાં લાગેલી આગ ઓલવવા ગઈ ત્યારે તેમને મોટી રોકડ રકમ મળી આવી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે તાત્કાલિક સીજેઆઇના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમને જાણ કરાઈ હતી જેના બાદ યશવંત વર્માની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોલેજિયમના કેટલાક સભ્યોએ સૂચન કર્યું કે જસ્ટિસ વર્માને રાજીનામું આપવાનું કહેવામાં આવે. જો તેઓ ઇનકાર કરે છે તો સંસદે તેમને દૂર કરવા માટે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવી પડશે.
જસ્ટિસ યશવંત વર્માને ઓક્ટોબર 2021માં અલ્હાબાદથી દિલ્હી હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ કોલેજિયમના કેટલાક સભ્યોએ સમગ્ર ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે જો જસ્ટિસ વર્માની ફક્ત બદલી કરવામાં આવે તો તે ન્યાયતંત્રની છબીને કલંકિત કરશે. ન્યાય વ્યવસ્થા પર લોકોનો વિશ્વાસ ઓછો થશે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.