
news gujarati
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી.
તમામ મુસાફરોના મોતઃ અમદાવાદ પોલીસ કમિશનર
સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી. તેમણે કહ્યું કે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી કેટલાક સ્થાનિક લોકોના પણ મૃત્યુ થયા હશે.
દુર્ઘટનાનું કારણ શું?
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ સમયે ક્રેશ થવા પાછળના પ્રાથમિક કારણો અને દુર્ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ, ટેકઓફ બાદ જ્યારે પ્લેનના ટાયર અંદર ન ગયા, ત્યારે વિમાન સૌપ્રથમ નજીક ચાલતી મેસની બિલ્ડિંગ સાથે અથડાયું. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેનની ટેઈલના (પાછળના ભાગના) બે ટુકડા થઈ ગયા હતા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ આવેલી હતી.
વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.