
News Gujarati
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં અરબી સમુદ્રમાં રચાયેલી વાતાવરણીય હલચલને કારણે 21થી 26 મે દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માટે જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે, સાથે જ માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશનમાં ફેરવાશે
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જે આગામી 12 કલાકમાં લો-પ્રેશર સિસ્ટમમાં અને ત્યારબાદ 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. આના પરિણામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી બે દિવસ હળવો વરસાદ રહેશે, જે બાદ વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે.
આગાહી
આજે, 21 મેના રોજ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમાં 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
22 મેના રોજ દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.