
કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 13 વર્ષથી ચાલી રહી છે. આ સિરિયલ હાલમાં કોઈને કોઈ વાતે વિવાદમાં આવી રહી છે. થોડાં સમય પહેલાં એવી ચર્ચા હતી કે સિરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા તથા જેઠાલાલ એટલે કે દિલીપ જોષી વચ્ચે બધું બરોબર નથી. હવે એવી ચર્ચા છે કે જેઠાલાલ તથા ટપુ (રાજ અનડકટ) વચ્ચે વિખવાદ થયો હતો. આટલું જ નહીં રાજની મોડા આવવાની આદતથી કંટાળીને દિલીપ જોષીએ તેને ખરું-ખોટું પણ સંભળાવ્યું હતું.
વેબ પોર્ટલ કોઈમોઈના એક અહેવાલ પ્રમાણે, દિલીપ જોષી સેટ પર સીનિયર એક્ટર્સમાંથી એક છે. વર્ષોથી તે આ સિરિયલ સાથે સંકળાયેલા છે. જોકે, તેમને કારણે ક્યારેય શૂટિંગમાં મોડું થયું નથી. જોકે, હાલમાં જ રાજ અનડકટે દિલીપ જોષીને સેટ પર એક કલાક સુધી રાહ જોવડાવી હતી. સૌથી નવાઈની વાત એ છે કે રાજે આવું પહેલી વાર કર્યું નહોતું. તે સેટ પર અવાર-નવાર મોડો આવતો હતો અને અન્ય સીનિયર કલાકારોને રાહ જોવી પડતી હતી. રાજની આ આદતથી કંટાળીને દિલીપ જોષીએ સેટ પર જ તેને ખરું-ખોટું સંભળાવી દીધું હતું. માનવામાં આવે છે કે દિલીપ જોષીએ રાજને ધમકાવ્યો પછી, તે સેટ પર મોડો નહીં આવે.
આ પહેલાં શૈલેષ લોઢા અને દિલીપ જોષીના અણબનાવની વાત ઉડી હતી
થોડાં મહિના પહેલાં સો.મીડિયામાં એ વાતની જોરશોરથી ચર્ચા થઈ રહી છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનો રોલ પ્લે કરતા દિલીપ જોષી તથા તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા એકબીજા સાથે વાત કરતા નથી.