
News Gujarati
સમાચાર પ્રમાણે ચીનના બાયાનૂર શહેરમાં મળેલો આ દરદી એક પશુપાલક છે અને એને ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યો છે. આ કેસથી જોડાયેલી જાણકારી સૌથી પહેલા શનિવારે બાયાનૂર શહેરના એક દવાખાનામાંથી આવી હતી. દરદીમાં આ સંક્રમણ કેવી રીતે થયું તે હજુ સુધી સ્પષ્ટ નથી. બ્યૂબૉનિક પ્લેગ બૅક્ટેરિયાના સંક્રમણથી થાય છે. તે જોખમી બની શકે છે. પરંતુ સામાન્ય રીતે ઍન્ટિબાયોટિક દવાઓથી તેની સારવાર શક્ય છે.
બ્યૂબૉનિક પ્લેગ શરીરની પેશીઓમાં સોજો લાવી દે છે. શરૂઆતમાં આ રોગની ઓળખ મુશ્કેલ હોય છે કારણ કે તેના લક્ષણ ત્રણથી સાત દિવસ પછી દેખાય છે અને કોઈ અન્ય ફ્લૂની જેવા જ હોય છે.
બ્યૂબૉનિક પ્લેગને બ્લૅક ડેથ પણ કહે છે. 14મી સદીમાં બ્લૅક ડેથનાં કારણે એશિયા, આફ્રિકા અને યુરોપમાં લગભગ પાંચ કરોડ લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં. જોકે હવે તે કોઈ મહામારીનું સ્વરૂપ લે એની સંભાવના ઓછી જ છે.
19મી સદીમાં ચીન અને ભારતમાં પ્લેગના ફેલાવાથી 1 કરોડ 20 લાખ લોકોના મૃત્યુ થયાં હતાં. ભારતમાં છેલ્લે 1994માં પ્લેગની મોટી મહામારી આવી હતી. એ વખતે સુરત અને મુંબઈમાં તેનો પ્રકોપ હતો.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.
