અમદાવાદગુજરાતતાજી ખબરો

‘મા’નો વ્યાપ વધારાયો, ટ્રાન્સપ્લાન્ટ માટે પાંચ લાખની મદદ

વર્તમાન ગુજરાત સરકારની કદાચ સૌથી લોકપ્રિય સાબિત થઈ રહેલી મા અમૃતમ અને વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. તાજેતરમાં રાજ્ય સરકારના બજેટ દરમિયાન તેની જાહેરાત કરવામાં આવી હતી અને હવે, ૧લી, એપ્રિલ,૨૦૧૮થી તેનો અમલ થાય તે રીતે તેનો સુધારલો ઠરાવ પણ જાહેર કરી દેવાયો છે. આ નવા સુધારા પ્રમાણે હવેથી રૂપિયા ૩ લાખની પારિવારિક વાર્ષિક આવક ધરાવતાં કોઈપણ મધ્યમ વર્ગના કુંટુંબને અને રૂપિયા ૬ લાખની વાર્ષિક આવક ધરાવતાં કુટુંબના સિનિયર સિટિઝનને ગંભીર બીમારીઓમાં વાર્ષિક રૂ. ૩ લાખની મર્યાદામાં કેશલેશ સારવાર મળી શકશે. આ સુધારામાં ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ માટે પણ રૂ. ૪૦,૦૦૦ની સહાય ઉપરાંત કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની વત્તા પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટની સારવારને પણ ઉમેરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા અગાઉ માત્ર બીપીએલ કુંટુંબો માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ તે પછી નવી યોજના શરૂ કરીને તેમાં અન્ય પછાત વર્ગોને પણ સામેલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પણ આ યોજનાના પ્રતિસાદને જોઈ સરકારે તેનો લાભ રૂ. ૨.૫૦ લાખ સુધીની આવક મર્યાદાવાળાને પણ આપવાનું શરૂ કર્યું હતું. જોકે, તેની માંગ સતત વધતાં નાણામંત્રીએ આ વખતના સરકારના બજેટમાં તેનો વ્યાપ ફરથી વધારવાની જાહેરાત કરી હતી અને તે મુજબ યોજનાના ઠરાવમાં સુધારો કરીને તેનો અમલ ૧લી, એપ્રિલથી શરૂ કરી દેવાયો છે. એમ મનાય છે કે, હજુ પણ તમામ પક્ષોના ધારાસભ્યો અને આગેવાનો તરફથી અન્ય બીમારીઓને પણ યોજનામાં સામેલ કરવાની સતત માંગ કરાતી રહે છે એટલે આગામી સમયમાં આ ફરીથી યોજનાનો વ્યાપ વધારાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

આરોગ્ય વિભાગના સુધારેલા ઠરવામાં કહેવાયું છે કે, અગાઉ આ યોજના હેઠળ ગંભીર બીમારીઓના કિસ્સામાં વાર્ષિક રૂ. ૨ લાખની મર્યાદમાં કેશલેસ સારવાર મળવાપાત્ર થતી હતી. હવેથી તેના બદલે રૂ. ૩ લાખની મર્યાદામાં કેશલેસ સારવાર મળશે. એવી જ રીતે આ વખતે ઘૂંટણ અને થાપાના રિ-પ્લેસમેન્ટની સારવાર માટે એકવાર રૂ. ૪૦,૦૦૦ની સહાય મળશે પરંતુ જો બીજા ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ કરવાનું થાય તો મુખ્ય જિલ્લા તબીબી અધિકારી કે તબીબી અધિક્ષકની મંજૂરી મેળવ્યા બાદ તે સારવાર કરાવ્યા બાદ તે લાભ મળી શકશે. આ યોજનાઓના વ્યાપના વધારામાં એ બાબત પણ સામેલ કરવામાં આવી છે કે, કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ અને કિડની વત્તા પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટની સારવાર અપાશે. આ રીતે નવી ટ્રાન્સપ્લાન્ટની પ્રોસિજરો માટે લાભની મર્યાદા પ્રતિ વર્ષ, પ્રતિ કુંટુંબ રુ. ૫ લાખ સુધી કરવામાં આવી છે.

User Rating: Be the first one !
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *