
News Gujarati
26/11 મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં આવ્યો છે. થોડી જ વારમાં તેને એરપોર્ટથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે. ત્યારબાદ તેને તિહાર જેલમાં ટ્રાન્સફર કરાશે. યુએસ કોર્ટની ભલામણ અનુસાર દિલ્હી અને મુંબઇમાં ભારે સુરક્ષા ધરાવતી જેલની બે કોટડીઓ રાણા માટે તૈયાર કરી દેવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાણાના પ્રત્યાર્પણને લઈને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. આ સાથે, એરપોર્ટ પર કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF)ની સુરક્ષા શાખા અને સ્થાનિક પોલીસ એરપોર્ટની બહાર હાજર રહેશે.
64 વર્ષીય તહવ્વુર હુસૈન રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે. તહવ્વુર હુસૈન પાકિસ્તાની સેનામાં કામ કરતો હતો. ત્યાર બાદ તે કેનેડા ગયો અને ત્યાં ઇમિગ્રેશન સેવાઓ પૂરી પાડતા ઉદ્યોગપતિ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તહવ્વુર 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર હતો અને તે જાણતો હતો કે હેડલી લશ્કર-એ-તૈયબા સાથે કામ કરે છે. હેડલીને આર્થિક મદદ કરીને તહવ્વુર આતંકવાદી સંગઠન અને તેની સાથેના આતંકવાદીઓને મદદ કરતો હતો.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.