
News Gujarati
ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકાર દ્વારા એક પછી એક આશ્ચર્યજનક નિર્ણયો જાહેર કરવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં તાજેતરમાં અમેરિકન વિદેશ વિભાગે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે, જેના કારણે વિશ્વભરના વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ આદેશ અનુસાર, તાત્કાલિક અસરથી વિદ્યાર્થી, વ્યાવસાયિક અને એક્સચેન્જ વિઝિટર વિઝા માટે નવી ઈન્ટરવ્યૂ અપોઈન્ટમેન્ટ્સ પર અસ્થાયી રોક લગાવવામાં આવી છે.
અમેરિકન વિદેશ મંત્રાલયનો નિર્દેશ
આ નિર્ણયની પુષ્ટિ અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો દ્વારા હસ્તાક્ષરિત એક દસ્તાવેજ દ્વારા થઈ છે. આ દસ્તાવેજમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વિદેશી વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા તપાસની નવી અને વધુ સઘન પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રક્રિયા સંપૂર્ણ થાય ત્યાં સુધી, કોઈપણ નવી વિઝા ઈન્ટરવ્યૂ અપોઈન્ટમેન્ટ શિડ્યૂલ નહીં કરવામાં આવે. આ નિર્ણયનો હેતુ વિદેશી વિદ્યાર્થીઓની ડિજિટલ પ્રવૃત્તિઓની ઝીણવટભરી તપાસ કરવાનો છે, જશે ખાસ કરીને તેમની સોશિયલ મીડિયા ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ નિર્ણય પાછળનું કારણ શું?
અમેરિકન સરકારનો આ નિર્ણય તાજેતરના મહિનાઓમાં અમેરિકન યુનિવર્સિટીઓમાં ઇઝરાયલ-ગાઝા મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. આ વિરોધ પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેના કારણે સરકારે આવી કડક નીતિ અપનાવવાનું નક્કી કર્યું હોય શકે. અહેવાલો અનુસાર, આ નવી નીતિ આતંકવાદ વિરોધી પગલાં અને યહૂદી-વિરોધી ગતિવિધિઓને રોકવા માટેના એક્ઝિક્યુટિવ ઓર્ડરનો ભાગ છે. જોકે, આ તપાસ પ્રક્રિયા દરમિયાન કયા ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે, તે અંગે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વિદ્યાર્થીઓ પર શું થશે અસર?
આ નિર્ણયથી વિશ્વભરના હજારો વિદ્યાર્થીઓ કે જેઓ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છે છે, તેમના પર ગંભીર અસર પડી શકે છે. વિઝા ઈન્ટરવ્યૂ પરનો આ પ્રતિબંધ તેમની શૈક્ષણિક યોજનાઓને અટકાવી શકે છે અને ઘણા વિદ્યાર્થીઓ માટે અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થઈ શકે છે. આ નવી નીતિનો અમલ ક્યારે શરૂ થશે અને તેની અસરો કેટલા લાંબા સમય સુધી રહેશે, તે હજુ અસ્પષ્ટ છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.