News Gujarati
જયપુર પ્રદેશ ભાજપ પ્રમુખ સતીશ પુનિયાએ આજે શુક્રવારે સવારે કહ્યું હતું કે સચિન પાઇલટ રાજસ્થાનના મુખ્ય પ્રધાન બની શકે છે. એમના આ વિધાને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો હતો. હાલ રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર છે. સચિન પાઇલટ અને તેમના 19 સાથીદારોએ બળવો પોકાર્યો હતો. પાઇલટને નાયબ મુખ્ય પ્રધાનપદેથી અને અન્ય જવાબદારીઓમાંથી હટાવતાં તેમણે રાજસ્થાન હાઇકોર્ટમાં ધા નાખી હતી. તેમની સાથોસાથ સ્પીકરે પણ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે ધારાસભ્યો સામે કામ ચલાવવાનો સ્પીકરનો અધિકાર અબાધિત છે. એમાં કોર્ટ માથું મારી શકે નહીં. હાઇકોર્ટે આ અરજી ફગાવી દેતાં સ્પીકર સી પી જોશી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણય સામે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.
એક સમાચાર સંસ્થાએ સતીશ પુનિયાને પૂછ્યું હતું કે હાઇકોર્ટમાં સચિન પાઇલટ જૂથનો વિજય થાય તો શું પાઇલટ રાજ્યના મુખ્ય પ્રધાન બની શકે છે ?
એના જવાબમાં પુનિયાએ કહ્યું હતું કે હા, પાઇલટ મુખ્ય પ્રધાન બની શકે છે. તેમના આ વિધાને સ્વાભાવિક રીતેજ રાજસ્થાન કોંગ્રેસ અને અન્ય પક્ષોમાં સનસનાટી મચાવી દીધી હતી.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બંને રાજ્યોમાં પોતાની સરકાર સ્થાપવા અને દેશને કોંગ્રેસ મુક્ત કરવા ભાજપ હવે મરણિયો થયો હોયએવી છાપ પડ્યા વિના રહેતી નથી. સચિન પાઇલટને રાજસ્થાન હાઇકોર્ટ અનુકૂળ ચુકાદો આપે અને એ રાજસ્થાનના મુખ્ય પ્રધાન બને તો કોંગ્રેસ પક્ષને ઘણો મોટો ફટકો પડશે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.