
News Gujarati
બ્રિટનના લિવરપૂલ શહેરમાં સોમવારે એક દુ:ખદ ઘટના બની, જ્યારે એક વ્યક્તિએ પોતાની કાર ફૂટબોલના ઉત્સાહી ચાહકોની ભીડ પર ચડાવી દીધી. લિવરપૂલ ફૂટબોલ ક્લબે પ્રીમિયર લીગમાં વિજય મેળવ્યો હતો, અને તેની ઉજવણી માટે શહેરમાં ભવ્ય વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં હજારો ચાહકો ઉમટી પડ્યા હતા, પરંતુ અચાનક એક કાર ભીડમાં ઘૂસી આવતાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કારચાલકની ધરપકડ કરી લીધી છે અને આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું, “લિવરપૂલમાં બનેલી આ ઘટના ખૂબ જ દુ:ખદ અને ચોંકાવનારી છે. હું ઈજાગ્રસ્તો અને પીડિતોના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. પોલીસની ત્વરિત કાર્યવાહી માટે હું તેમનો આભાર માનું છું.”
લિવરપૂલ ફૂટબોલ ક્લબે આગળ પણ 2020માં પ્રીમિયર લીગની ટ્રોફી જીતી હતી, પરંતુ તે વખતે કોરોના મહામારીને કારણે ચાહકો મોટા પાયે ઉજવણી કરી શક્યા નહોતા. આ વખતે, ટીમની જીતે ચાહકોમાં અપાર ઉત્સાહ જગાવ્યો હતો. પરેડ દરમિયાન ખેલાડીઓ ટ્રોફી સાથે બસમાં સવાર હતા, અને રસ્તાઓ પર હજારો ચાહકો ગીતો અને નારાઓ સાથે ઉજવણી કરી રહ્યા હતા.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.