
લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિન બોલર દિગ્વેશ રાઠી અને સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન અભિષેક શર્મા વચ્ચે ચાલુ મેચ દરમિયાન થયેલા વિવાદ બાદ બીસીસીઆઈએ બંને ખેલાડીઓ સામે કડક પગલાં લીધાં છે. આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દિગ્વેશ રાઠીને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની મેચ ફીના 50 ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ, અભિષેક શર્માને મેચ ફીના 25 ટકા દંડની સજા થઈ છે.
દિગ્વેશ રાઠીનું વારંવારનું ખરાબ વર્તન
આઈપીએલ આયોજકોના જણાવ્યા પ્રમાણે, દિગ્વેશ રાઠીએ આ સિઝનમાં ત્રીજી વખત આચાર સંહિતાના લેવલ-1નું ઉલ્લંઘન કર્યું છે. પરિણામે, તેને એક મેચનું સસ્પેન્શન આપવામાં આવ્યું છે, જેના કારણે તે લખનઉ સુપર જાયન્ટ્સની આગામી લીગ મેચમાં ભાગ લઈ શકશે નહીં. આચાર સંહિતાના લેવલ-1ના ઉલ્લંઘન માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ ગણાય છે.
વિવાદનું કારણ શું હતું?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે દિગ્વેશ રાઠીએ સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ દરમિયાન અભિષેક શર્માને આઉટ કર્યો. આઉટ કર્યા બાદ દિગ્વેશે અયોગ્ય ઉજવણી કરી અને હાથના ઈશારા દ્વારા અભિષેકને પેવેલિયન તરફ જવાનો ઈશારો કર્યો. આનાથી અભિષેક નારાજ થયો અને બંને ખેલાડીઓ વચ્ચે ગરમાગરમ બોલાચાલી થઈ. અંપાયરોએ સમયસર હસ્તક્ષેપ કરીને બંનેને અલગ કર્યા હતા.
દિગ્વેશનો અગાઉનો રેકોર્ડ
દિગ્વેશ રાઠીએ આ પહેલાં પણ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. પંજાબ કિંગ્સ સામેની મેચમાં તેને એક ડિમેરિટ પોઈન્ટ અને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં બે ડિમેરિટ પોઈન્ટ મળ્યા હતા. આ વખતના ઉલ્લંઘનને કારણે તેના ડિમેરિટ પોઈન્ટની સંખ્યા વધીને પાંચ થઈ, જેના પરિણામે તેને સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.