
News Gujarati
રથયાત્રા ન યોજાતા ગઈકાલે નારાજ થયેલા મહંત દિલિપદાસજી આજે ગૃહરાજ્યમંત્રી સાથેની બેઠક બાદ ફેરવી તોળ્યું હતું. મહંત દિલિપદાસજીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે સરકારે તો બહુ મહેનત કરી હતી. સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નથી.
ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા કાઢવાની પરવાનગી હાઇકોર્ટએ ન આપતાં રથયાત્રા મંદિર પરિસરમાં યોજાઈ હતી. રથયાત્રા ન યોજાતાં મંદિરના મહંત દિલિપદાસજી મહારાજ નારાજ થયા હતા અને અમારી જોડે રમત થઈ ગઈ છે. મેં ભરોસો રાખ્યો હતો એ ખોટો પડ્યો તેવું કહ્યું હતું. જેના પગલે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જમાલપુર જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને મહંત દિલિપદાસજી સાથે બેઠક કરી હતી. બેઠકમાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ હાજર હતા.
મહંત દિલિપદાસજીએ ગૃહરાજ્યમંત્રી સાથેની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પુરીની યાત્રાને મંજૂરી આપી હતી. સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદમાં રથયાત્રા નીકળે તે માટે એફિડેવિટ કરી હતી પરંતુ હાઇકોર્ટે મોડી રાતે મંજૂરી આપી ન હતી. આ ચુકાદો વહેલો મળ્યો હોત તો સુપ્રીમમાં જાત. રાજ્ય સરકારે સંપૂર્ણ મદદ કરી છે. મારી સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નથી. સરકારે ખૂબ મહેનત કરી હતી.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.