અમદાવાદગુજરાતતાજી ખબરોરાજકોટવડોદરાસુરત

એક સમયે નરેન્દ્ર મોદીને પોતાના સ્કૂટર પર ફેરવનારા શંકરસિંહ વાઘેલા કેવી રીતે ગુજરાતના બન્યા ‘બાપુ’

શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગર જિલ્લાના વાસણ ગામમાં 21 જુલાઈ 1940ના રોજ થયો હતો. 1960ના દાયકામાં શંકરસિંહ વાઘેલાએ તેમની રાજકીય સફરની શરૂઆત રાષ્ટ્રીય સ્વયં સેવક દળની રાજકીય પાંખ ‘જનસંઘ’માં જોડાઈને કરી હતી. વર્ષ 1951માં સ્થપાયેલું આ સંગઠન ગુજરાતમાં એટલું બધું વ્યાપક નહોતું પરંતુ ગુજરાતમાં જનસંઘનો વ્યાપ વધારવામાં ‘બાપુ’નો મહત્ત્વનો ફાળો હોવાનું મનાય છે.

શંકરસિંહ વાઘેલાની બોલવાની છટા અને દરેક કાર્યકરનાં નામ સુદ્ધાં યાદ રાખવા જેવી કુશળતાને કારણે જનસંઘે ગુજરાતમાં પોતાનાં મૂળિયા મજબૂત કર્યાં. આ એ સમય હતો જ્યારે દેશના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી જનસંઘના એક સામાન્ય કાર્યકર હતા.આ જ સમયગાળામાં નરેન્દ્ર મોદી પણ તેમની સાથે કામ કરતા હતા. એવી પણ વાત છે કે વાઘેલા તેમના સ્કૂટર પર નરેન્દ્ર મોદીને ઠેરઠેર લઈ જતા હતા.

દેશમાં 1975માં ઇંદિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી હતી ત્યારે ગુજરાતમાં ઇંદિરા સરકાર વિરુદ્ધ જે જનઆંદોલન થયું હતું તેમાં બાપુનો મહત્ત્વનો ફાળો હતો. ત્યારબાદ સમય રહેતા વર્ષ 1977માં જનસંઘનું જનતા પાર્ટીમાં વિલિનીકરણ થયું હતું. પરંતુ 1980ની સાલ આવતા તો અમુક કારણોસર જનતા પાર્ટી વિખેરાઈ ગઈ અને જૂનો જનસંઘ ‘ભારતીય જનતા પાર્ટી’ તરીકે ઊભરી આવ્યો.

વર્ષ 1977માં છઠ્ઠી લોકસભા ચૂંટણી વખતે બાપુ જનતા દળની ટિકિટ પરથી કપડવંજ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જોકે, 1980માં જનસંઘ ‘ભાજપ’ બની ચૂક્યો હતો. ત્યારે 11 વર્ષ સુધી વાઘેલા ભાજપના જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રહ્યા. ત્યારબાદ 1984માં રાજ્યસભાના સભ્ય તરીકે પણ સેવા આપી.

વર્ષ 1985ની ચૂંટણીમાં કૉંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી સામે ભાજપ બિલકુલ ધરાશાયી થઈ ગયો. વર્ષ 1987માં સંઘના પ્રચારક તરીકે કામ કરી રહેલા નરેન્દ્ર મોદીને ભાજપનું સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી.

1995માં ભાજપ ગુજરાતમાં 121 સીટો પર જીતી ગયું અને વાઘેલાને હઠાવીને કેશુભાઈને મુખ્યમંત્રી બનાવી દીધા.વાઘેલા નારાજ થઈ ગયા અને કેશુભાઈની સરકારના 47 ધારાસભ્યોને લઈને શંકરસિંહ વાઘેલા મધ્ય પ્રદેશના ખજૂરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો પોકારી દીધો. આ બળવાને ‘ખજૂરિયા-હજૂરિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે કેશુભાઈ પટેલની સરકાર ભાંગી પડી.

શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી હઠાવવા અને તેમના સાથી ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા છ લોકોને મંત્રીપદ આપવા અને નરેન્દ્ર મોદીને ગુજરાતની બહાર કેન્દ્રમાં મોકલવાની માગ કરી. આ ત્રણેય માગો સંતોષાઈ ગઈ અને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સુરેશ મહેતાને પદભાર સોંપવામાં આવ્યો.

સુરેશ મહેતાની સરકારથી નાખુશ વાઘેલાએ 1995માં સુરેશ મેહતાની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમની સરકાર પડી ગઈ. 1996માં વાઘેલા ગોધરાથી લોકસભા ચૂંટણી હારી ગયા અને ભાજપમાંથી રાજીનામું આપી દીધું. તેમણે તેમના 47 વિદ્રોહી ધારાસભ્યો સાથે મળીને પોતાની પાર્ટી બનાવી જેનું નામ રાખ્યું ‘રાષ્ટ્રીય જનતા પાર્ટી‘.

1997-98 સુધી એક વર્ષ માટે કૉંગ્રેસના ટેકાથી તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા. આ સરકાર વધારે ન ચાલી અને દિલીપ પરીખને મુખ્યમંત્રીનું પદ મળ્યું. ત્યાર પછી વાઘેલાએ પોતાના પક્ષને કૉંગ્રેસમાં ભેળવી દીધો.

ભલે એક સમયે વાઘેલાના કહેવા પર મોદીને ગુજરાતમાંથી બહાર મોકલવામાં આવ્યા હતા પરંતુ 2001માં તેઓ મજબૂત થઈને આવ્યા. 2002 પછી ધ્રુવીકરણને કારણે ભાજપ મજબૂત થતો ગયો અને મોદીની સામે કોઈ વિકલ્પ ન મળતા સોનિયા ગાંધીએ વાઘેલાને નેતૃત્વ સોંપ્યું હતું.

2017 સુધી કૉંગ્રેસમાં અલગઅલગ પદે કામ કરી ચૂકેલા વાઘેલા, મનમોહન સિંહની યૂપીએ-1 સરકારમાં કાપડ મંત્રી રહ્યા હતા. યૂપીએ-2 સરકારમાં શંકરસિંહ વાઘેલાને માત્ર ગુજરાતમાં સંગઠનની જવાબદારી સોંપવામાં આવી અને ફરીથી એક વખત વાદવિવાદનો સમય શરૂ થયો.તે સમયે કૉંગ્રેસ પક્ષ વાઘેલાને બહારના નેતા જ ગણતો હતો.

વાઘેલા પણ કૉંગ્રેસમાં સંતુષ્ટ નહોતા. ચૂંટણી આવે ત્યારે ગુજરાતમાં વાઘેલાના નારાજ થવાનો પ્રસંગ બને એમાં કંઈ નવું નહોતું. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ વહેંચણી તેમના મત પ્રમાણે થાય એવી આશા જ્યારે પૂરી ન થઈ ત્યારે શંકરસિંહ વાઘેલાએ કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો. આ પ્રયોગ નિષ્ફળ રહ્યો અને રાજકીય કારકિર્દી બચાવવા માટે તેઓ એનસીપીમાં જોડાઈ ગયા. ત્યાં પણ ગુજરાત પાર્ટી પ્રમુખ પદ પરથી તેમને હઠાવવાથી અને રાજ્યસભા ચૂંટણીમાં ક્રૉસવોટિંગથી તેઓ નારાજ હતા.

શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પર પોસ્ટ કરેલા પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે હવે તેમનું લક્ષ્ય 2022 સુધી ગુજરાતમાંથી ભાજપને હઠાવવાનું છે. તેઓ રાજ્યમાંથી દારૂબંધી હઠાવવાની માગ પણ કરતા આવ્યા છે. તેમનું કહેવું છે કે જો રાજ્યમાં છાનીમાની રીતે દારૂ મળી જ રહેતો હોય અને પીવાતો હોય તો પછી આ ઢોંગ રચવાની શું જરૂર?

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *