
News Gujarati
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઘણીવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેમણે ઉત્તરાખંડના પવિત્ર બદ્રીનાથ ધામ નજીક પોતાના નામે એક મંદિર હોવાનો દાવો કર્યો, જેના કારણે સ્થાનિક પુજારીઓ અને ભક્તોમાં નારાજગી ફેલાઈ છે. આ નિવેદનથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનું પુજારીઓનું માનવું છે, અને તેમણે ઉર્વશીને માફી માગવા અથવા પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે.
ઉર્વશીનો દાવો અને વિવાદનું કારણ
એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન, ઉર્વશી રૌતેલાએ જણાવ્યું હતું કે બદ્રીનાથ ધામથી લગભગ એક કિલોમીટર દૂર તેમના નામે ‘ઉર્વશી મંદિર’ આવેલું છે. આ નિવેદનથી બદ્રીનાથના પુજારીઓમાં રોષ ફેલાયો, કારણ કે આ મંદિર વાસ્તવમાં મા ઉર્વશીને સમર્પિત છે, જે ભગવાન શિવ સાથે સંકળાયેલું માનવામાં આવે છે.
પુજારીઓની માગ: માફી અથવા પરિણામ
બ્રહ્મકપાલ તીર્થ પુરોહિત સમાજ ઉર્વશીના નિવેદનને હિન્દુ ભાવનાઓનું અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું, “ઉર્વશી રૌતેલાના આ દાવાથી ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે તાત્કાલિક પોતાના નિવેદન બદલ માફી માગવી જોઈએ, નહીં તો તેમણે આના પરિણામો માટે તૈયાર રહેવું પડશે.”
ઉર્વશીએ આ ઇન્ટરવ્યૂમાં માત્ર બદ્રીનાથના મંદિરનો જ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેમણે વધુ એક નિવેદન આપ્યું કે તેઓ ઈચ્છે છે કે દક્ષિણ ભારતમાં પણ તેમના નામે મંદિર બને. તેમણે ઉમેર્યું કે, “મેં દક્ષિણના મોટા સુપરસ્ટાર્સ જેવા કે ચિરંજીવી, નંદમુરી બાલકૃષ્ણ અને પવન કલ્યાણ સાથે કામ કર્યું છે. હવે હું ઈચ્છું છું કે દક્ષિણમાં પણ મારું મંદિર બને.” આ ઉપરાંત, તેમણે દાવો કર્યો કે દિલ્હીની હિન્દુ કોલેજમાં વિદ્યાર્થીઓ તેમને ‘દમદમી માઈ’ તરીકે પૂજે છે અને તે એક વાર્ષિક પૂજા છે.
મા ઉર્વશી મંદિરનું મહત્વ
નોંધનીય છે કે, મા ઉર્વશી મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા બામની ગામમાં સ્થિત છે, જે બદ્રીનાથ ધામથી લગભગ એક કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરમાં દર વર્ષે હજારો ભક્તો દર્શન માટે આવે છે, અને બદ્રીનાથ ધામની મુલાકાત લેનારા મોટાભાગના યાત્રિકો આ મંદિરની પણ મુલાકાત લે છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.